Rameshbhadra's Blog

આવો પહેલ તો કરીએ

રણજીતનગર માં ડી.પી.કપાત ના મામલે ચક્કાજામ.

જામનગર મહાપાલિકા દ્રારા પટેલ સમાજથી જનતા ફાટક સુધીના માર્ગને ડી.પી.કપાતની કામગીરી હેઠળ ૧૮ મીટર પહોળો કરવા માપણી શરૂ કરતા વેપારીઓએ ગઇકાલે ઉગ્ર આંદોલન કરી રસ્તા રોકી ચકકાજામ કરી દેતા વાતાવરણમાં ઉતેજના વ્યાપી ગઇ હતી. મહાપાલિકા દ્રારા ખોટી રીતે રસ્તો પહોળો કરી વિકાસના નામે વિનાશની નિતી અપનાવાય છે તેવો આક્ષેપ અસરગ્રસ્તવેપારીએ કર્યેા હતો. મામલો બિચકતા પોલીસ દોડી આવી હતી અને આખરે સમજાવટથી મામલો થાળે પડયો હતો.રણજીતનગરમાં પટેલ સમાજથી જનતા ફાટક સુધી ૧૮ મીટર પહોળો રોડ કરવા માટે ૧૨૯ મિલકતો નડતરરૂપ છે તેને થોડા દિવસ પહેલા આખરી નોટીસ આપવામાં આવી હતી અને તેની મુદત તા.૨૩ સુધીની છે અને જામનગર મહાપાલિકા દ્રારા આ અંગે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો છે અને તેને મંજુરી પણ મળી ગઇ છે. ગઇકાલે બપોરે ૩:૩૦ વાગ્યા બાદ વેપારીઓએ એકાએક તમામ દુકાનો બધં કરી દઇ ચકકાજામ કર્યુ હતું અને વાહનોને રોકી રાખ્યા હતાં. વેપારીઓ રસ્તા ઉપર સુઇ ગયા હતાં અને જણાવ્યું હતું કે, અમારી દુકાનો ખોટી રીતે કાપવામાં આવે છે અમને કોઇ સાંભળતું નથી. દરવખતે અમને માત્ર આશ્ર્વાસન આપવામાં આવે છે જો ડી.પી.કપાત કરવામાં આવશે તો ૪૦૦ પરિવારની રોજી–રોટી છીનવાઇ જશે.

જામનગરપોલીસ ની બુદ્ધિ નાઠી: શોભાયાત્રામાં તલવારના કરતબ બતાવનારા ૩૭ સામે જાહેરનામા ભંગની ફરીયાદ

જામનગરમાં મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિતે શહેરમાં શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના નકકી કરેલા માર્ગેા પર આ શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો સહિતના લોકો જોડાયા હતા. દરમ્યાનમાં શિવ શોભાયાત્રા દરમ્યાન નાગેશ્ર્વરથી ભીડભંજન મહાદેવના મંદિર સુધી તલવારો, છરીઓ જેવા હથિયારો ધારણ કરી જામનગર જીલ્લા મેજી. ના હથિયારબંધી જાહેરનામાનો ભગં કરવા સબબ ૩૭ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.સીટી બી પીઆઇ અજયસિંહ જાડેજા ખુદ ફરીયાદી બન્યા છે. જેમાં જીતુ શીંગાળા, વિનોદ શીંગાળા, પ્રભુદાસ એમ. કોળી, મથુર ઉર્ફે ટીડો શરદભાઇ, દિનેશ શરદ કોળી, અનિલ નારણ કોળી, મહમદ વેલજી, હિતેશ વેલજી, મનસુખ ભીમા, નરસિંહ નાથા, ગોપાલ બાબુ, કાના બાબુ, નારણ વાજી, શૈલેષ પ્રવિણ, મંગા કારા, પ્રવિણ કારા, રાજેશ પ્રવિણ, કારા બાબુ, કરશન જીણા પરજીયા કોળી, જીતુ વશરામ–ખડખડનગર, અરજણ ભીમા કોળી, જેરામ જસમત, ગોવિંદ ઠાકુર, જયરાજસિંહ પ્રતાપસિંહ–સત્યમ કોલોની, સુનીલ ધીરૂ કોળી, સુનીલ ધનજી કોળી, જીજ્ઞેશ રણછોડ ચૌહાણ, ગોપાલ ધીરૂ ડોસણીયા, કલિયો, ગૌતમ, ડુંગો, દિનેશ કોળી, વિનોદ કોળી, સંજય, ભાવેશ ઉર્ફે અભુડો કોળી, ધમો કોળી અને બટુકસિંહનો સમાવેશ થાય છે.ઉપરોકત ૩૭ શખ્સો વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાવવામાં આવતા ભાવિકો સહિતમાં કચવાટની લાગણી જન્મી છે.

હાલાર બન્યું હિમનગર

જામનગરમાં ચાલુ સપ્તાહના પ્રારંભથી બર્ફીલા પવનના સુસવાટા સાથે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. ઉત્તર-પૂર્વીય પવનના જોર સાથે બુધવારે તિવ્ર ઠંડીનું મોજુ પ્રસરી ગયું હતું. જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૬.૨ ડીગ્રીએ પહોચી જતા હાડ ધ્રુજાવતી ઠંડીથી શહેરીજનો ધ્રુજી ઉઠયા હતાં.
જામનગરમાં કાંતિલ ઠંડીના પગલે વહેલી સવારે અને મોડી સાંજે બાદ માર્ગો પણ મહદઅંશે સુમસામ બની ગયા હતાં. ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાઓનો પણ સહારો લેતા જોવા મળ્ય હતાં. જ્યારે સવારે શાળા-કોલેજોએ જતાં છાત્રોએ તિવ્ર ઠંડીના પગલે ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી વળેલા ઠંડીના મોજાએ હાલારને પણ લપેટમાં લઈ લીધુ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય રીતે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછુ રહેતુ હોય છે. પરંતુ જામનગરમાં આ વર્ષે વધુ ઠંડી પડી રહી છે.છેલ્લા થોડા દિવસથી ર૦ થી રપ કીમીની ઝડપે બર્ફીલો પવન પણ ફુંકાઈ રહયો છે. બે દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માત્ર બપોરના સમયે બજારોમાં લોકોની અવર-જવર જોવા મળે છે. શહેરમાં ચાલુ સીઝનની સૌથી આકરી ઠંડી પડી રહી હોવાથી જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે. સાંજે ૮ વાગ્યા પછી શહેરમાં સ્વયંભુ કર્ફયુ જેવુ વાતાવરણ જોવા મળી રહયું છે.

ટોલટેક્સ ના મુદે કોંગ્રેસ કરશે સોમવારથી ચક્કાજામ.

રાજકોટથી જામનગર સુધીના ઓવરબ્રીજ તૈયાર થવાના બાકી છે આમ અધુરા કામે ઉધરાણું શરૂ કરી દેનાર ખાનગી કંપની ટોલટેક્સનું ઉઘરાણું તાકીદે બંધ નહી કરે તો જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવાર થી ચક્કાજામ કરશે.
ટોલ ટેક્ષની જોગવાઇઓમાં જ્યાં સુધી માર્ગોમાં આવતા ઓવરબ્રીજ નાલા પુલીયા પુરા થયા ન હોય અને ડાયવર્ઝન હોય તેમજ સર્વીસ રોડ તૈયાર થયેલ ન હોય ત્યાં સુધી ટોલ ટેક્ષ ઉધરાવી શકાય નહી. ટોલ ટેક્ષ ઉધરાવતા પહેલા પ્રજાને તેમના વાંધાઓ અને અભિપ્રાય આપવા એક મહીનાની જાહેર નોટીસ આપવી ફરજીયાત છે. તેના બદલે માત્ર અડતાલીસ કલાકની કહેવાતી નોટીસ બાદ ટોલ ટેક્ષના હાટડા શરૂ કરવામાં આવેલ છે.
ગુજરાતની ભષ્ટ્રચારી સરકાર આ જાહેર રસ્તાઓ બનાવવા પાછળ એક રૂપિયો પણ ખર્ચ કરતી નથી કે રોકાણ કરતી નથી તેમ છતાં આ ટોલ ટેક્ષના હાટડામાંથી વીસ ટકા આવક લઇ જાય છે. આ મફત આવકને બદલે વાહનોના ટોલ ટેક્ષ ઘટાડી નાખવા જોઇએ ગુજરાતની સરકાર ટોલ ટેક્ષ વસુલ કરવામાં પણ ભેદભાવ રાખેલ છે. બામણબોર ચોકડીથી અમદાવાદ બે ટોલ નાકા અને ૨૧૪ કી.મી.નું અંતર અને રૂપિયા ર૦+૨૦-૪૦ જ્યારે રાજકોટના પડધરીથી વાડીનાર સુધી ત્રણ ટોલ નાકા અને માત્ર ૧૩૧ કી.મી.માં રૂપિયા ૯૦ વસુલ કરેલ છે.
આ ટોલ નાકા મારફતે કરોડોના કૌભાંડ હોવાનું જાણવા મળેલ છે. આ ટોલ ટેક્ષ તાત્કાલિક અસરથી બંધ થવો જોઇએ નહીતર સોમવાર તા. ૧૩-૨-૨૦૧૨થી આ ટોલ નાકાઓ ઉપર પ્રજા ધેરાવ કરી ઉપવાસ આંદોલન કરી રસ્તા રોકો સહીત આ ટોલ નાકાના રાક્ષસી ઉધરાણી બંધ કરવા ગાંધી ચિધ્યા માર્ગ આગળ વધશે.

જામનગરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવાના મુદે પગલા લેવા માંગણી.

વિરોધપક્ષના દંડક અને કોર્પોરેટર આકાશ બારડે મ્યુનિ.કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં કેટલાં કાયદેસર હોર્ડિંગ્સ છે, કેટલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ છે, કેટલા પ્રાઈવેટ પ્રીમાઈસીસમાં તથા કેટલા સરકારી પ્રીમાઈસીસમાં હોર્ડિંગ્સ બોર્ડ લગાવવામાં આવ્યા છે તેની એસ્ટેટ શાખા પાસે માહિતી માંગવામાં આવી હતી.
એસ્ટેટ શાખા દ્વારા તેની અમોને માહિતી આપવામાં આવેલ છે. જે અનુસાર સરકારી પ્રિમાઈસીસમાં તથા જાડાના પ્રીમાઈસીસ ૪૩ હોર્ડિંગ છે. આ હોર્ડિગ્સ પેટે બીપીએમસી એકટ-૧૯૪૯ની કલમ ર૪૪, ર૪પ ની જોગવાઈ અનુસાર રૂ.૭પ૦ પ્રતિ ચો.મી.વસૂલ કરવાની જોગવાઈ છે. પરંતુ ચાર્જ વસુલવામાં આવતો હોય તેમ માલુમ પડતું નથી. તેમજ ખાનગી જગ્યાઓએ જુદી જુદી એજન્સીઓ દ્વારા કુલ ૧૦પ હોર્ડિંગ્સ બોર્ડ લગાડવામાં આવ્યા છે. તે અંગે પણ જામપા દ્વારા કલમ મુજબ કેટલુ ભાડુ ઉઘરાવવામાં આવે છે કે કેમ તે જણાવેલ નથી. ૪૦ હોર્ડિગ્સ ગેરકાયદેસર ઉભા કરાયેલા છે. આ હોર્ડિગ્સ ઉભા કરનાર એક પબ્લીસીટીને માત્ર નોટીસો આપવાના નાટક કરવામાં આવે છે. આવી કંપનીઓને જામપા દ્વારા છાવરવામાં આવે છે. આ હોર્ડિંગ્સ બોર્ડ તાત્કાલિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
જેથી તેઓને ભય રહે પરંતુ તેમ ન કરતાં જામપા દ્વારા માત્ર ને માત્ર નોટીસો આપવામાં આવે છે. જેથી આવા લોકોના પેટનુ પાણી હલતું નથી. ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી જામપા સાથે સરાજાહેર છેતરપીંડી કરવામાં આવી રહી છે. જેમાં એસ્ટેટ શાખાના કર્મચારીઓની મીલીભગત હોય તેવું પ્રાથિમક દ્રષ્ટિએ માલુમ પડે છે.
શહેરમાં રહેલા હોર્ડિગ્સ અંગે તાજેતરમાં સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા માહિતી માંગવામાં આવી છે. શહેરમાં જયાં જુઓ ત્યાં મોટા-મોટા હોર્ડિંગસ લગાવવામાં આવી રહેલ છે. જયારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે આવા લોકો ટેન્ડર ભરતા નથી કારણ કે તેઓને ખબર જ છે કે આપણે ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવશું તો જામપા આપણને કાંઈ કરશે નહિં. બિન્દાસ રીતે આવા બોર્ડ શહેરમાં અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે. આથી આવા હોર્ડિંગ્સ બોર્ડની કંપનીઓ અથવા વ્યકિતઓ સામે કડક હાથે કાર્યવાહી કરી બોર્ડો જપ્ત કરી અને પેનલ્ટી સાથે રકમ વસૂલવા માંગણી કરવામાં આવી છે.

Follow

Get every new post delivered to your Inbox.